જોડણીની જાણકારી (૫)

ગતાંકમાં ડૉ. ભારતી મોદીની દલીલો વાંચી, આજના સોપાનમાં અન્ય મહાનુભાવોના જોડણી વિષયક મંતવ્ય જાણીએ:

ડૉ. ઊર્મિ દેસાઈએ જણાવ્યું છે, “મારી દૃષ્ટિએ ગુજરાતી ભાષક દેશ્ય શબ્દોમાં અને જે રીતે તદ્-ભવીકરણ થયું હોય તે જ શબ્દોમાં એક પેટર્નનું પાલન કરતો હોય છે. એ પેટર્ન પ્રમાણે હ્સ્વદીર્ઘ સ્વરો બોલાતા હોય છે. હવે આ પેટર્ન, સિલેબિકેશન (આક્ષરિક્તા) ઉપર આધાર રાખે છે. માટે જ્યાં સુધી આ અભ્યાસ પૂર્ણ થયો ન હોય ત્યાં સુધી કોઈ લિપિસુધારને અવકાશ જ નથી.”

શ્રી મહેન્દ્ર મેઘાણીએ લિપિ અંગે ઠીકઠીક વિચારણા કરી છે અને એને અમલી બનાવવા એમનાં કેટલાંક પુસ્તકો એ મુજબ છાપીને લિપિસુધારણા અંગે નોંધપાત્ર પ્રયત્નો પણ કર્યા છે. એમણે ગુજરાતી લિપિ માટે ૩૨ અક્ષરોથી જ ચાલી શકે એ ગુજરાતી લિપિના કેટલાક અક્ષરો ઘટાડીને અને જોડાક્ષર અંગે અમુક રીતે અક્ષરો જોડી બતાવીને સિદ્ધ કરવા પ્રયત્ન કર્યા છે. તેમના મતે,

૧. ગુજરાતી કક્કામાં ૩૨ મૂળાક્ષરો જ રાખવા : અ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ હ ળ

૨. આ ૧૧ મૂળાક્ષરો રદ કરવા : ઇ ઈ ઉ ઊ ઋ અઃ ઙ ઞ ષ ક્ષ જ્ઞ (આને બદલે િઅ અી અુ અૂ રુ અહ – - શ ક્શ ગ્ન રાખવા.)

૩. ઉપરના ૩૨ મૂળાક્ષરોની સાથે જોડવા માટે બારાખડીની આ ૧૧ નિશાનીઓ વાપરવી : ા િ  ી ુ ૂ ે ૈ ો ૌ

૪. બે અક્ષરોને જોડવાના આવે ત્યારે તેમાંનો પહેલો અડધો અથવા ખોડો કરવો અને તેને માટે નીચેના બે જ નિયમોનો વગર અપવાદે અમલ કરવો :

(૧) ખ ગ ઘ વગેરે પાંખિયાવાળા અક્ષરો જોડતી વખતે પાંખિયું કાઢી નાખવું.

(૨) પાંખિયા વગરના ૧૨ અક્ષરોને જોડતી વખતે તેની નીચે હલન્તચિહ્ન મૂકીને તેને ખોડા કરવા : ક્ છ્ જ્ એમ.

રાજભાષાના ફેબ્રુઆરી’ ૯૬ના અંકમાં શ્રી કે. કા. શાસ્ત્રીના ‘લિપિમાં થોડો જ સુધારો’ લેખ પ્રસિદ્ધ થયો હતો તેમાં તેમણે આપેલાં સૂચનો પણ સંક્ષેપમાં જોઈએ.

સ્વરો : અ આ િઅ અી અુ અૂ એ ઍ ઐ ઓ ઑ અં અ:

એક ઉચ્ચારણ વિશિષ્ટતાથી ઉચ્ચરિત થાય છે વાઃલું (વહાલું), નૅઃર (નહેર), મૅઃરબાની (મહેરબાની), શૅઃ૨ (શહેર), બૅઃન (બહેન) એમ લખવું.

વ્યંજનો : વ્યંજનોના રૂપના વિષયમાં તો કોઈપણ ફેરફાર કરવો સામયિક નથી.

એમણે વધુમાં કહ્યું હતું : શના વિષયમાં ખાસ મુશ્કેલી નથી. માત્ર દેવનાગરી પડછે ” આ રૂપમાં ‘ર’ ‘લ’નો સંયોગ કરીએ છીએ ત્યારે શ્ર શ્ર્લ એમ કરીએ છીએ. શ્ર્લને સ્થાને શ્લ લખવામાં સરળતા છે. રહ્યો પ્રશ્ન ‘શ્ર’નો. આને સરળ કરવા માટે શ્-૨ એ રીતે આદર કરવામાં આવે તો એ શ્-રેષ્ઠ બની રહે.

આપણને અગુજરાતી લાગે છે તે તો ‘દ’ પછીના વ્યંજનોને લખવાની પદ્ધતિ. આપણે દેવનાગરીના દ્ર, દ્ધ, દ્વ,દ્મ દ્ય સ્વીકારી લીધા છે અને તેથી સ્પષ્ટ રીતે એ અગુજરાતી છે. આને દ્-ર, દ્-ધ, દ્-વ, દ્-મ, દ્-ય એ રીતે સ્વીકારવામાં આવે તો એ શુદ્ધ ગુજરાતી બની જાય છે.

‘ર’ની બારાખડી કરતી વેળા દેવનાગરી પરિપાટીએ હ્સ્વ ‘રુ’ કરીએ છીએ અને દીર્ઘ માટે ‘રૂ’ એવું રૂપ ચલણી સ્વીકાર્યું છે. આપણે રુ રૂ શરૂ કરીએ તો વધારે સ્વાભાવિક બની રહેશે.

વધુ આવતા સોપાનમાં…

Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *
*
*