જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?
ડૉ. દયાશંકર જોશીએ ગુજરાતી લિપિ સુધારણા માટે ચિંત્ય સૂચનો કર્યાં છે. તેમનાં સૂચનો સંક્ષેપમાં જોઈએ તો -
- હ્સ્વદીર્ઘના ભેદ દૂર કરી ‘ઇ’ માટે દીર્ઘની અને ‘ઉ’ માટે હ્સ્વની નિશાની વાપરવી.
- અંગ્રેજી શબ્દોના વિવૃત સ્વરો (open vowels, E, O) માટે વપરાતી ઊંધી માત્રાવાળી નિશાનીઓ (ઍ, ઑ) દૂર કરવી.
- ગુજરાતી વ્યંજનોને એક આકારવાળા રાખવા અને જેમ બોલાય છે તેમ એક પછી એક મૂકવા.
- ગુજરાતીને સંસ્કૃત ઉચ્ચારણો અને અક્ષરોના બાહુલ્યથી અને ભરમારથી સવાઈ સંસ્કૃત બનતી અટકાવવી.
ડૉ. ભારતી મોદીએ આ અંગેની ચર્ચામાં ભાગ લીધેલો અને એક લખાણ પ્રત્યક્ષ જાન્યુ-માર્ચ ‘૯૪ના અંકમાં આપેલું કે “ગુજરાતીમાં હ્સ્વદીર્ઘ ઇ-ઈ અને ઉ-ઊ એવા ચાર સ્વતંત્ર ધ્વનિઘટકો નથી એટલે કે કાલમાનના ભેદથી ચાર જુદા ધ્વનિઘટકો બનતા નથી, માટે લખવામાંથી પણ એ ભેદ કાઢી નાખવા યોગ્ય છે એમ ચર્ચાન્તે સૌને લાગેલું. પરંતુ કેટલાક મહત્વના મુદ્દાઓનો આની સાથે વિચાર કરવો રહ્યો. સૌથી પ્રથમ તો ‘ઇ’ સ્વર માટે દીર્ઘની નિશાની અને ‘ઉ’ સ્વર માટે હ્સ્વની નિશાની માટે ‘economy parsimony’ (કાપકૂપની ત્રેવડ) સિવાયનું કોઈ rationale (તર્કસંગત આધાર) ડૉ. જોશીએ આપેલ નથી.
ભાષાના શબ્દભંડોળમાં તત્સમ અને તદ્-ભવનો જે સંબધ આપણે સમજીએ છીએ અને ભણેલા ગુજરાતીભાષી સમજે એમ માનીએ છીએ તે સંબંધ પાયારહિત નથી. સંસ્કૃત સાથેનો ‘અનુબંધ’ તદ્દન ન ગણકારીએ તો ભાષાના ધ્વનિસ્વરૂપને સમજવા માટેની કડી લુપ્ત થઈ જાય છે. અમેરિકનોએ ઘણા ’spelling’નું સરલીકરણ કર્યું છે છતાં knife, know વગેરેમાંથી ‘K’ કાઢ્યો નથી. જૂના તબક્કા સાથેનો અનુબંધ ફક્ત મૂઠીભર લોકો માટે જ કામનો હોય તોય કોઈપણ મહત્વનો ફેરફાર માત્ર સરલીકરણના પાયા ઉપર ન કારાય. લાંબે ગાળે વિપરીત પરિણામ ન આવે એનો વિચાર કરવો હજી બાકી છે.
ગુજરાતી, મરાઠી, હિન્દી એમ ત્રણેય ભાષાઓ દેવનાગરી લિપિ વાપરતી હોઈ અને ત્રણે ભાષામાં હ્સ્વ-દીર્ઘના પ્રશ્નો સમાંતર હોઈ બધી ભાષાના વિદ્વાનો, સાહિત્યકારો આ અંગેની ચર્ચાવિચારણા સાથે મળીને કરે તે યોગ્ય છે. ગુજરાતીમાં જ અ-સંસ્કૃતપણાની પહેલ માત્ર બાળકોનો બોજો હટાવવા માટે ન થાય.”
ડૉ. ભારતી મોદીની વધુ દલીલો હવે પછીના સોપાનમાં…
One Comment
ઈ માટે ડીર્ઘ અને ઉ માટે હૃસ્વ એવું કેમ? બન્ને માટે હૃસ્વ અથવા બન્ને માટે દીર્ઘ કેમ નહિ?
અમુક ઊંઝા પ્રચારકો કહે છે કે ગુજર્રતી શબ્દકોશમાં મોટાભાગના શબ્દોમા ઈ દીર્ઘ અને ઉ હૃસ્વ છે એતલે! પણ એ તર્ક સાવ પાયા વગરનો છે. એક એક શબ્દ લઈ ગણતરી કરી જોજો. કોઈ પ્રમાનભૂત આંકડા આપી શકશે?
ગુજરાતીને સંસ્કૃત ઉચ્ચારણો અને અક્ષરોના બાહુલ્યથી અને ભરમારથી સવાઈ સંસ્કૃત બનતી અટકાવવી.
આ સમજાવવા બાહુલ્ય જેવો ભયંકર અઘરો શબ્દ કેમ વાપરવો પડ્યો? ભાઈ દયાનાશંકર, ગુજરાતી પર દયા ખાને! તારે ગુજરાતીને તારે પાછી પ્રાકૃત તરફ લઈ જવી છે?
One Trackback/Pingback
[...] સુચનોનો સર્વ પ્રથમ જાહેર વિરોધ કરનાર એક મહિલા હતી! (અને તેમણે પોતના નામે વિરોધ કર્યો [...]