સાર્થ જોડણીકોશ પછી…

જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?

સાર્થ જોડણીકોશ પ્રસિદ્ધ થયો, સર્વમાન્ય, સર્વસ્વીકૃત થયો પણ તે પછી શું થયું?

સાર્થ જોડણી કોશની પાંચમી આવૃત્તિ ઈ.સ. ૧૯૬૭માં પ્રસિદ્ધ થઈ હતી. એ પછી એની નવી આવૃત્તિ માટે સારો એવો સમય વીત્યો અને છેક ૧૯૯૫માં છઠ્ઠી આવૃત્તિ બહાર પડી પણ તે ૧૯૬૭ના સાર્થ જોડણી કોશનું પુનર્મુદ્રણ માત્ર હતું. તેમાં ૧૯૬૭ પછી પ્રવર્તમાન નવા શબ્દો ઉમેરાયા નહોતા કે નિયમો બાબત કંઇ પુનર્વિચાર કે કાંઈ સૂચન. શબ્દાર્થમાં પણ ક્યાંય સુધારા જરૂરી હતા એ પણ નહોતા કરાયા. વ્યુત્પત્તિ અંગે તો ઘણા સુધારા જરૂરી હતા એ પણ જાણે તે પછીની આવૃત્તિ માટે બાકી રખાયા હતા! સરતચૂકની ભૂલો પણ એમ જ રહી જવા પામી હતી.

શ્રી કાલિદાસ ત્રિવેદીએ ભાષાનિયામકની કચેરીના વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ (૧૯૯૫)ની પ્રસ્તાવનામાં લખ્યું છે, “મનુષ્ય જેમજેમ આગળ વધે છે તેમતેમ તેની ભાષા પણ વિકાસ પામે છે. સમાજનો વ્યવહાર જેમ સંકુલ અને આધુનિક બનતો જાય છે તેમતેમ તેની અસર ભાષા પર પણ અનિવાર્યપણે થાય જ છે. આ સંદર્ભમાં વિચારીએ તો ઈ.સ. ૧૯૨૨૯ અને ઈ.સ. ૧૯૯૫ વચ્ચેના ૬૫ વર્ષના લાંબા ગાળામાં દેશ અને દુનિયામાં ઘણી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. વિજ્ઞાન અને ટૅક્નોલૉજીએ હરણફાળ ભરી. દેશ સ્વતંત્ર બન્યો. લોકશાહી પરિપાટી અને મૂલ્યોની સાથોસાથ દેશમાં આધૂનિકતાની અને ટેક્નોલૉજી વિષયક વિકાસની ક્ષિતિજો ઊઘડી. આ બધાની ભાષા અને સાહિત્ય ઉપર ભારે અસર વરતાય એ સ્વાભાવિક છે. તેથી ભાષાનું શબ્દભંડોળ તો વધ્યુ જ. સાથોસાથ ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો, અર્થો અને લઢણો ઘસાતાં ગયાં, અસ્ત પણ થતાં ગયાં. સંદર્ભભેદે શબ્દો નવાનવા અર્થોમાં પ્રયોજાતા રહ્યા, નવા અર્થો ઉમેરાયા. ભાષા એ તો જીવંત અને ગતિશીલ પરિબળ છે, એટલે આમ તો થાય જ. આ પ્રક્રિયા અતંત્રતા તરફ દોરી ન જાય એ માટે દરેક ભાષામાં શબ્દકોશોની વિવિધ દૃષ્ટિકોણથી અને સમયાંતરે સુધારેલી અને સંવર્ધિત આવૃત્તિઓ અથવા નવા કોશો તૈયાર કરવાની પ્રક્રિયા એકધારી ચાલતી જ રહે છે. જોડણીના પ્રશ્ને આજે પણ ગુજરાતમાં વિદ્વાનોમાં ઘણા મતભેદ પ્રવર્તે છે. મહારાષ્ટ્રમાં પણ કંઈક અંશે આવી પરિસ્થિતિ હતી, પરંતુ મહારાષ્ટ્ર સરકારે પોતાની ભાષાનિયામક કચેરી દ્વારા રાજ્યની ભાષા, સાહિત્ય, શિક્ષણક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ, વિદ્વાનો વગેરેની બેઠક યોજી, વિશદ ચર્ચા કરી એકરૂપ માન્ય જોડણી અપનાવી.”

મરાઠી ભાષામાં જોડણી અને લેખનના શુદ્ધીકરણ માટે સને ૧૯૩૦થી ૧૯૬૧ સુધીમાં છ તબક્કે ફેરફાર થયા છે. મરાઠી સાહિત્ય મહામંડળના ૧૯૬૧ના લેખન વિષયક ૧૪ નિયમોને રાજ્યવ્યાપી માન્યતા અપાઈ છે. મો.રા.વાળંબેકૃત મરાઠી શુદ્ધ લેખન પ્રદીપમાં દર્શાવેલ આ નિયમો જોઈ શકાય છે કે, બધા મરાઠી શબ્દોના (અને સંસ્કૃત તત્સમ હ્સ્વાન્ત શબ્દોના) ઇ-ઉ દીર્ઘ કરી દેવાયા છે. (ઉદા. પેટી, જાદૂ, કવી, ગુરૂ). જોડાક્ષરમાં પણ અક્ષરો ક્રમ અનુસાર જોડીને (ઉદા.દ્ધ ને બદલે દ્ ધ ને દ્વિ ને બદલે દ્ વિ) લખવા સૂચવાયું છે. ચિહ્ન પ્રહ્લાદ જેવામાં ચિન્હ પ્રલ્હાદ એ રીતે “હ”ને પછીના ક્રમમાં મૂકવા સૂચવાયું છે. લિપિમાં પણ લ, શ, ખ, ધ, ભ અક્ષરોના ઘાટ બદલ્યા છે.

(સંદર્ભ –  વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી)

આ તો થઈ પડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત, ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? હવે પછીના સોપાનમાં…

3 Comments

  1. Posted September 14, 2008 at 2:18 pm | Permalink

    સરસ માહીતી.

  2. Posted September 14, 2008 at 3:23 pm | Permalink

    સરસ કામ કરો છો.
    ગુજરાત અને ગુજરાતી ની પરિસ્થિતિ તો આપણને બધાને ખબર જ છે ને?

  3. Madari 786
    Posted September 14, 2008 at 7:41 pm | Permalink

    બહુ સરસ કામ કરી રહ્યા છો, આ કેટલામો બ્લોગ છે ?


Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *
*
*