જોડણીકોશનો ઈતિહાસ

જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?

સસ્નેહ અભિવાદન.

આ બ્લોગનો હેતુ જોડણીના ઝઘડાને સમજવાનો, નવા બ્લોગર બન્યા છે તેમને સમજાવવાનો અને બની શકે તો સમાધાન કરાવવાનો છે.

જોડણીના ઝઘડાને સમજતાં પહેલાં જોડણી કોશનો ઈતિહાસ જાણીએ. ઈ.સ. ૧૮૦૮માં ડ્રુમન્ડ નામના પાદરીએ ૪૬૮ ગુજરાતી શબ્દોનો અંગ્રેજી સમજૂતી આપતો સર્વપ્રથમ જોડણી કોશ પ્રસિદ્ધ કર્યો. ઈ.સ. ૧૮૭૩માં જેને ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યવસ્થિત કોશ કહેવાય એવો નર્મદે ૨૫,૦૦૦ શબ્દોનો નર્મકોશ પ્રસિધ કર્યો. એ પછી સમયાંતરે બીજા પણ પ્રયત્નો થતા રહ્યા અને આપણને લલ્લુભાઈ ગોકળભાઈ પટેલનો ગુજરાતી કોશ, ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા)નો ગુજરાતી કોશ, ઈ.સ. ૧૯૨૯નો ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ, ગોંડળના મહારાજા ભગવતસિંહજીનો નવ ભાગમાં પ્રસિદ્ધ થયેલ ભગવદ્-ગોમંડલ, ઈ.સ.૧૯૭૬નો યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનો શ્રી કે.કા.શાસ્ત્રી સંપાદિત બૃહદ્ ગુજરાતી કોશ (ખંડ ૧-૨), ગુજરાત સાહિત્ય અકાદમીનો ડૉ. ઈશ્વરલાલ ર. દવે સંપાદિત થિસોરસ, ભાષાનિયામકની કચેરી-ગુજરાત રાજ્યનો વ્યવહરોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ વગેરે કોશ પ્રાપ્ત થયા છે. આ બધામાં ગુજરાત વિદ્યાપીઠના કોશને વ્યાપક માન્યતા મળી છે. મુંબઈ સરકારના પ્રકાશન ખાતાએ પણ ઈ.સ.૧૯૪૦માં એને માન્યતા આપતાં લખ્યું, “ગુજરાતી શબ્દોની સાચી જોડણી વિશે ગુજરાતમાં ઘણા વખતથી ચર્ચા ચાલી રહી છે. એ હેતુથી મુંબઈ સરકાર એ જરૂરી અને ઈષ્ટ માને છે કે, જોડણીકોશમાં નક્કી કરેલી સર્વમાન્ય અને એકજ પ્રકારની જોડણી ઈલાકાની શિક્ષણ સંસ્થાઓમાં અનુસરવામાં આવે.” વિશેષમાં પ્રગટ થતા સામયિકો અને પાઠ્યપુસ્તકો તેમજ ઈતર પુસ્તકોમાં પણ ગુજરાત વિદ્યાપીઠના કોશની જોડણીને પ્રાધન્ય મળ્યું. એ યોગ્ય પણ હતું કેમ કે ગુજરાત વિદ્યાપીઠે વિદ્વાનોની સમિતિ નીમી એમની મારફતે ગુજરાતી ભાષાના શબ્દોની જોડણીના નિયમોને પણ સર્વસંમત કરાવી આપ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પ્રજાને જણાવ્યું, ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી‘.

(સંદર્ભ – સાર્થ જોડણી કોશ અને ગુજરાતી વિદ્યાપીઠ)

આમ, માન્યતા પ્રાપ્ત જોડણી એટલે સાર્થ જોડણી. પુસ્તકો, પાઠ્યપુસ્તકો, સામયિકો વગેરે જે જોડણીકોશને અનુસરે છે તે સર્વસ્વીકૃત સાર્થ જોડણી.

હવે પછીના સોપાનમાં ઊંઝા જોડણી વિશે…

2 Comments

  1. Posted September 13, 2008 at 2:38 am | Permalink

    sthitapragya?

  2. Posted September 13, 2008 at 8:18 am | Permalink

    જય હો સાર્થ જોડણીની. ભાઈ તમે સાચા ગુજરાતી છો. તમારા જેવા ગુજરાતીઓ માતૃભાષાને આગળ વધારી શકશે. ખુબ ખુબ ધન્યવાદ.


Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *
*
*